Wednesday, May 6, 2026
HomeGujaratવાંકાનેરમાં યુવાનની છરીના ઘા મારી હત્યા, પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરમાં યુવાનની છરીના ઘા મારી હત્યા, પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

Advertisement
Advertisement

શહેરના નવાપરા વિસ્તારમાં યુવકો વચ્ચે થયેલી જૂની માથાકુટના વિવાદને પગલે એક યુવાન પર ઘાતક હુમલો થતાં તેની મોતની ઘટના સામે આવી છે. મૃતક ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉં. ૨૦, રહે. મીટ્ટીકુલ સામે, પંચાસર રોડ, નવાપરા, વાંકાનેર) પોતાના મિત્રો સાથે વાત કરવા ગયેલો ત્યારે આ હુમલો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રુવના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાની કેટલાક શખ્સો સાથે અગાઉ માથાકુટ થઈ હતી. આ મામલે ચર્ચા કરવા માટે ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણે મિત્રો નવાપરા વિસ્તારના વાસુકી દાદાના મંદિર સામે રોડ પર પહોંચ્યા હતા. તે દરમિયાન આરોપી તરીકે ઓળખાયેલા ૧) સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ૨) ઋત્વિક જગદીશભાઈ કોળી, ૩) અનિલ રમેશભાઈ કોળી, ૪) વિશાલ સુરેશભાઈ વિજવાડીયા (ચારેય નવાપરા) તથા ૫) કાનો દેગામા (રહે. વિશીપરા) ત્યાં આવી ચડ્યા હતા.

આ પાંચેય શખ્સોએ ત્રણે મિત્રોને ઘેરી ધ્રુવ સહિતના મિત્રો પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપી સાહિલ વિજવાડિયાએ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો ઉંડો ઘા ઝીંકી દેતાં ધ્રુવ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ધ્રુવને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ ધ્રુવને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે વાંકાનેર શહેરમાં શોક અને આક્રોશનું વાતાવરણ જોવા મળ્યું છે.

હાલ આ બનાવ અંગે મૃતક ધ્રુવના પિતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત વેરઝેર અને જૂની માથાકુટને કારણે આ હત્યાનો વિવાદ સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular