હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાં હળવદ પોલીસે એક મોટો પ્રોહિબીશનનો ગુનો ઉકેલી પાડી સફળતા મળી છે. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ હાથ ધરતાં બોલેરો પીકઅપમાંથી દેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.
હળવદ પોલીસે ધુળકોટ ગામની સીમમાં તપાસ હાથ ધરી ત્યારે બોલેરો પીકઅપ ગાડીમાંથી કુલ ૩૭૦ લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો ૧૨૫૦ લીટર મળી આવ્યો હતો. આ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧,૦૫,૨૫૦ જેટલી થાય છે, જ્યારે બોલેરો ગાડીની કિંમત સાથે કુલ રૂ. ૬,૦૫,૨૫૦ જેટલો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી એક ઈસમ યોગેશભાઈ ઉર્ફે યોગલો હિરાભાઈ છનુરા, (રહે. જૂના ઘાંટીલા, તા. માળીયા) ને ઝડપ્યો હતો. તેની પૂછપરછમાં અન્ય એક શખ્સ સંજયભાઈ નથુભાઈ સાલાણી, (રહે. ઇન્દીરાનગર, મોરબી) સહભાગી હોવાનું બહાર આવ્યું હતું.
હળવદ પોલીસે સંજયભાઈ સાલાણીને ફરાર જાહેર કરી, બંને સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




