મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો, જેનું અપહરણ થઈ ત્રણ દિવસ પછી રામઘાટ પાસે બાચકામાંથી લાશ મળી આવી હતી. તેના શરીર પર છરીના અસંખ્ય ઘા મારવામાં આવી નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં મોરબી શહેર પોલીસ અને બાદમાં સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન મળતાં પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે અંતે તપાસ સીબીઆઈને સોંપવાનો હુકમ આપ્યો હતો.
હવે સીબીઆઈની તપાસમાં મહત્વના તાર જોડાતા પરિવારને ન્યાયની નવી આશા મળી છે. માસૂમ નિખિલ હત્યા કેસમાં દસ વર્ષથી ચાલી રહેલી ન્યાયયાત્રા હવે અંતિમ ચરણમાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે મોરબી શહેરમાં ફરી એકવાર આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
હાઇકોર્ટના આદેશ બાદ તપાસ સંભાળનાર સીબીઆઈ ટીમને તાજેતરમાં કેટલીક મજબૂત કળીઓ અને પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું અત્યંત વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે તપાસની ગતિ વધુ વેગવાન બની છે અને નજીકના દિવસોમાં હત્યારાઓ બેનકાબ થઈ શકે છે એવી ચર્ચા મોરબી શહેરમાં જોર પકડી છે.
મોરબીના દરજી કામ કરતા એક સામાન્ય પરિવારમાં જન્મેલો ૧૪ વર્ષનો નિખિલ પરેશભાઈ ધામેચા, તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ શાળાએથી છૂટ્યા બાદ તે અચાનક લાપતા થયો હતો. તેની સાઇકલ શાળાની નજીકથી મળી આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસને મળેલા પ્રારંભિક પુરાવાઓ મુજબ, શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે નિખિલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ નિખિલ જેવો બાળક એક્ટિવા પર પાછળ બેસેલો દેખાયો હતો, પરંતુ ચહેરો સ્પષ્ટ ન હોવાથી ઓળખ શક્ય બની નહોતી. અપહરણના ત્રણ દિવસ પછી મોરબીના રામઘાટ નજીક કોથળામાંથી નિખિલનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસથી લઈ સીઆઈડી ક્રાઈમ સુધી પહોંચી હતી, છતાં કોઈ નવો તાર મળી ન શક્યો. અંતે વર્ષ ૨૦૨૪માં નિખિલના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી હતી. ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હાઇકોર્ટ દ્વારા આદેશ આપ્યા બાદ સીબીઆઈએ નવી તપાસ શરૂ કરી હતી.
સીબીઆઈએ કેસની ફાઇલો, અગાઉની તપાસની નોંધો તથા ટેકનિકલ પુરાવાઓનું પુનઃ વિશ્લેષણ શરૂ કર્યું હતું. નિખિલના પિતા દ્વારા અગાઉ કેટલાક વ્યક્તિઓ ઉપર લગાવવામાં આવેલા આક્ષેપોની દિશામાં પણ સીબીઆઈએ તપાસ આગળ ધપાવી હતી.
હાલ મળતી માહિતી મુજબ સીબીઆઈને કેટલાક મજબૂત પુરાવા તથા શંકાસ્પદ લોકોના નિવેદનો પરથી મહત્વપૂર્ણ તાર જોડાયા છે. સૂત્રો મુજબ, આ તારના આધારે હત્યારાઓની ઓળખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. મોરબીમાં વર્ષોથી અનડીટેક્ટ રહેલા આ હત્યા કેસમાં હવે ન્યાયનું કિરણ દેખાવા લાગ્યું છે.




