મોરબી શહેર તેમજ જિલ્લામાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રકોમાંથી ડીઝલ અને બેટરી ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ડીઝલ ચોરી કરતી ટોળકી પકડાઈ હોવા છતાં ફરી એક વખત ચોરીનો બનાવ બની ગયો છે.
મળતી માહિતી અનુસાર, તા. 25 ઓક્ટોબરના રોજ મોરબીના લગધીરપુર રોડ પર હોલીસ વિટ્રીફાઈડ કારખાના ગેટ પાસે આરજે-14-જીકયુ-4377 નંબરનો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ટ્રકની ડીઝલ ટેન્કનું લોક તોડી અંદરથી 130 થી 140 લીટર જેટલું ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયા.
ચોરી થયેલ ડીઝલની કિંમત અંદાજે રૂપિયા 13 હજાર જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રાજસ્થાનના વતની અને ટ્રકચાલક જીતેન્દ્રસિંહ લાદુસિંહ રાજપૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકોને નિશાન બનાવવામાં આવતા ડ્રાઈવરોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે.




