મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારના રોયલ પાર્ક શેરી નં. ૩ માં પાણી ઢોળવા બાબતે પડોશી મહિલાએ તેના પિતાને બોલાવી દંપતી પર લોખંડના પાઇપ અને ઢીકા પાટુ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર હરિગુણ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં. ૨ માં રહેતા ડેનિશભાઇ વિઠ્ઠલભાઇ ભલાણી (ઉ. 30) એ મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ડેનિશભાઇની પત્ની નિરાલિબેન તરફથી ભૂલથી બહાર પાણી ઢોળાઈ જતા પડોશમાં રહેતી રસિલાબેન સાથે બોલાચાલી થઈ હતી. આજુબાજુના લોકોએ બંને પક્ષોને સમજાવી ઝઘડો શાંત કર્યો હતો અને દંપતી પોતાના ઘેર ચાલ્યા ગયા હતા.
થોડા સમય બાદ આરોપી રસિલાબેને પોતાના પિતાને બોલાવી લાવી ફરી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન રસિલાબેનના પિતાએ લોખંડના પાઇપ વડે ડેનિશભાઇના માથામાં ઘા કર્યો હતો, જ્યારે રસિલાબેને નિરાલિબેનને ઢીકા પાટુ વડે માર માર્યો હતો, જેમાં બંને પતિ-પત્નીને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી.
હાલ મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસે પિતા-પુત્રી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




