વાંકાનેરમાં કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક અને તેના પિતરાઈ ભાઈ પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સ્ટેશનરી ખરીદી એક્ટિવા પર ઘરે પરત ફરી રહેલા બંને યુવકોનો પીછો કરી આરોપીઓએ કુહાડી અને છરી જેવા હથિયારોથી જીવલેણ હુમલો કરતા એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરની આંબેડકર નગરમાં રહેતા અને અભ્યાસ કરતા ૨૨ વર્ષીય યશદીપ હિતેશભાઈ સોલંકીએ આરોપી એજાજા ઉર્ફે દાદલી, એજાજનો ભાઈ, ઈકબાલ તથા અન્ય ચાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓને ભરવાડ જ્ઞાતીના લોકો સાથે ઝઘડો થયેલ હોય જેથી આરોપીઓ તથા અજાણ્યા ચાર ઇસમો પ્રાણધાતક હથિયારો સાથે એકસીસ બેન્કના ખૂણે ઉભા હોય અને ફરીયાદી તથા સાથી મનિષ પોતાનુ એકટીવા લઇને ત્યાંથી નિકળેલ અને ફરિયાદી સાથે રહેલ સાથી મનિષ, આરોપીઓને ઝઘડો થયેલ તે ભરવાડ જ્ઞાતીના લોકોનો મિત્ર હોય જેથી ફરિયાદિ તથા સાથી અનુ સુચિત જાતિના હોવાનુ જાણવા છતા ***આ લોકોને મારી ના” તેમ કહી આરોપીઓએ પીછો કરતા ફરિયાદી તથા સાથી એકટીવા લઇ ભાગવા જતા ફરિયાદિનુ એકટીવા શારદા સ્કુલ પાસે આવેલ ઇલે પોલ સાથે ભટકાઈ જતા નીચે પડી જતા ઉભા થઇ ભાગવા જતા આરોપી એજાજએ ફરિયાદિને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડીનો છુટો ઘા મારતા ફરિયાદિને ગરદનના પાછળના ભાગે લાગેલ તથા અજાણ્યા ઇસમો પૈકીના કોઇએ ફરિયાદિને પીઠના ભાગે છરીનો એક ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

