મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાવકા પિતાએ આગલા ઘરની 24 વર્ષીય મૂક બધિર પુત્રી પર નજર બગાડી શિયળ લૂંટી લીધાની ચોંકાવનારી ઘટના બની હતી પરંતુ આ કિસ્સામાં વધુ ચોંકાવનારી બાબત એ હતી કે દુષ્કર્મ બાદ નરાધમ પિતા નહીં પણ તેની લાશ મળી હતી. અને હવે તેમાં વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે સાવકા બાપની આ શર્મશાર હરકત બાદ તેની જ પત્નીએ તેને માર મારી મારીને હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી આ ઘટનામાં પિતાએ તેની સાવકી પુત્રી પર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો જેથી મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી. તો બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ તેની પત્નીને થતા તેણે હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે, તો આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યા થયેલા પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી પર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા તેનું મોત નીપજ્યું હતું. જો કે, ચોંકાવનાર બનાવમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યા અંગે ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસે જાહેર કર્યું છે.




