મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર નજીક કારખાનામાં રસોઈ બનાવી ઘરે પરત જઈ રહેલા આધેડ મહિલાને બોલેરો વાહને હડફેટે લીધી હતી. રાજસ્થાન પાસિંગના બોલેરો વાહન ચાલકે રિવર્સમાં વાહન લેતી વખતે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પેગવીન કારખાના તરફ જતા રસ્તાની કટ્ટ પાસે ઉભેલા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.વ.55) નામના મહિલાને બોલેરો ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતી વખતે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મંજુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, આ ઘોર કળિયુગમાં અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી પણ ગયો. આ બનાવ અંગે મૃતકના પુત્ર અજયભાઈ ભરતભાઈ સોઢા રહે.જીનપરા વાંકાનેર વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

