મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માટે તા.22 જૂને થયેલા મતદાન બાદ આજે સવારે 9 વાગ્યાથી જિલ્લાના પાંચેય તાલુકામાં મતગણતરી કેન્દ્ર ખાતે અંદાજે 200 થી વધુના સ્ટાફ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, બેલેટ પેપરથી મતદાન પ્રકિયા થઈ હોય સ્વાભાવિક પણે જ પરિણામમાં વિલંબ થશે.
આજે સાંજ સુધીમાં કોણ સરપંચ બનશે અને કોણ સભ્ય બનશે તે વાતનો ફેંસલો થશે ત્યારે ગ્રામ્ય મતદારોમાં પરિણામને લઈ ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.
મોરબી જિલ્લામાં ગત તા.22ના રોજ 27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તેમજ 13 ગામોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી યોજાયા બાદ આજે સવારે જિલ્લાના પાંચેય તાલુકાના મતગણતરી કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.
જેમાં મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે કરવામાં આવશે.
જયારે ટંકારા તાલુકાની મતગણતરી ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કૂલના પ્રથમ માળે સભાખંડ ખાતે તેમજ હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે ક૨વામાં આવશે. તમામ મતગણના કેન્દ્ર ખાતે મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સાથે જ મતગણતરી કેન્દ્રના 200 મીટર વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિને એકત્રિત થવા પર પણ મનાઈ ફરમાવતું જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે.




