મોરબીના હળવદમાં વ્યાજખોરોના ત્રાસ ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે એક આધેડ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી કે વ્યાજખોરોએ તેમનું ઘર પચાવી પાડ્યું હતું. ત્યારે, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર ડિવિઝન) સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા મની લેન્ડર્સ એક્ટ મુજબ પઠાણી ઉઘરાણી કરતા ઇસમો સામે કડક પગલા લેવામાં આવ્યા છે.
ફરિયાદી દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત થતા, લાયસન્સ વિના ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી તેમજ ધાકધમકી આપતા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તજ અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ચાર આરોપી પૈકી પ્રભુ જહાભાઇ કરોત્રા ઉર્ફે રબારી, હરદીપ ઉર્ફે મુનાભાઇ સવાભાઇ લાવડીયા ઉર્ફે આહિર, જયદેવ મનહરદાન દેવકા ઉર્ફે ગઢવીની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય એક આરોપી ભરત રાણાભાઇ રબારી હાલ ફરાર છે.
આરોપીના ગુનાહિત ઇતિહાસ મુજબ પ્રભુ જહાભાઇ કરોત્રા સામે હળવદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 099/2011 – IPC કલમ 302, 323, 506(2) હળવદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 144/2022 – IPC કલમ 504, 506(2) તથા મની લેન્ડર્સ એક્ટ કલમ-5, 36(3), 40, 42 અને ભરત રાણાભાઇ રબારી સામે હળવદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 029/2023 – IPC કલમ 384, 403 તથા મની લેન્ડર્સ એક્ટ કલમ-40, 42 હેઠળ ગુના નોંધાયેલા છે.
આ કાર્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, ડી.વી. કાનાણી, પો.સબ.ઇન્સ કે.એચ. અંબારીયા, એએસઆઇ રમેશભાઇ મહાદેવભાઇ, પો.કોન્સ હિતેશભાઇ મહાદેવભાઇ, સુરેશભાઇ પ્રતાપભાઇ સહિતનો સ્ટાફ કામગીરીમાં સંકળાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ભય પ્રસરી ગયો છે અને પોલીસના આકરાં પગલાંથી અન્ય વ્યાજખોરો માટે અગમ ચેતવણી પુરવાર થઈ છે.




