માળીયા મીયાણા તાલુકાની પોલીસ દ્વારા દારૂના ગુન્હામાં સંકળાયેલા બે ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા આ બંને શખ્સોને પાસ હેઠળ ડીટેઈન કરીને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રોહીબિશનના ગુન્હામાં વારંવાર સંકળાયેલા ઈસમો સામે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ મોકલવામાં આવી હતી.
ફરિયાદ અને તપાસના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ બે આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. જેમાં ભાવેશભાઈ નાથાભાઈ પોલાભાઈ મોરી (ઉ.27, રહે. દરેડ ગામ, અનાજના ગોડાઉન પાછળ, મુળ રહે. ફુલજરનેસ તા. રાણાવાવ, જી. પોરબંદર.) લીલાભાઈ ટપુભાઈ રાજાભાઈ મોરી (ઉ.20, રહે. દરેડ શ્રીજી કાટા પાસે, લાલુપુર ચોકડી, મુળ રહે. ફુલજરનેસ તા. રાણાવાવ, જી. પોરબંદર.) નો સમાવેશ થાય છે.
પાસા વોરંટ ઇશ્યુ થયા બાદ માળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બંને ઈસમોની સત્વરે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ એક આરોપીને સુરત મધ્યસ્થ જેલમાં અને બીજા આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે. માળીયા મીયાણા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે.




