મોરબી શહેરના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ગડદી કરી પેસેન્જરની નજર ચુકવી રૂ.૧૨,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરનાર બે ઇસમોને મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો ટીમે પકડી પાડ્યા છે. તેમની પાસેથી ચોરી ગયેલ રકમ તેમજ રીક્ષા મળી કુલ રૂ.૮૨,૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે મોરબી સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૦૭/૧૦/૨૦૨૫ ના રોજ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુ.ર.નં.૦૭૮૧/૨૦૨૫ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધીક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમે નેત્રમ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા અને હ્યુમન સોર્સીસ દ્વારા માહિતી મેળવી મોરબી વીસી હાઇસ્કૂલ પાછળના મંગલ ભુવન રોડ વિસ્તારમાં શંકાસ્પદ રીક્ષા GJ03-CT-0220 મળતાં કાર્યવાહી હાથ ધરી હતી.
રીક્ષામાં બેઠેલા બે શખ્સોને પૂછપરછ કરતાં તેમણે દસેક દિવસ પહેલાં ત્રીજા સહઆરોપી સાથે મળીને શનાળા રોડ ઉમીયા સર્કલ પાસેથી એક મોટી ઉમરના પેસેન્જરને રીક્ષામાં બેસાડી નવા બસ સ્ટેશન નજીક ગડદી કરી ખિસ્સામાંથી રૂ.૧૨,૦૦૦ ની રોકડ રકમ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પકડાયેલા આરોપીઓમાં નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા (રહે. રાજકોટ ભગવતીપરા શેરી નં. ૯, નૂરીબાપુની દરગાહ પાસે), સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર (રહે. રાજકોટ ભગવતીપરા શેરી નં. ૩, ખોડીયાર પાનવાળી શેરી) નો સમાવેશ થાય છે. તેમજ આરોપી અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા (રહે. ભગવતીપરા, રાજકોટ) પકડવાનો બાકી છે.
કબ્જે કરાયેલ મુદામાલમાં રોકડ રકમ રૂ. 12,000, CNG ઓટો રીક્ષા નં. GJ03-CT-0220 (કિંમત રૂ. 70,000) કુલ મુદામાલ કિંમત રૂ. 82,000 નો સમાવેશ થાય છે
કામગીરી કરનાર અધિકારીઓમાં એમ.પી. પંડયા (પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી), પો.સબ.ઇન્સ. બી.ડી. ભટ્ટ (એલ.સી.બી. મોરબી), પો.સબ.ઇન્સ. જે.પી. કણસાગરા (પેરોલ ફર્લો સ્કવોડ) તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસોની સંયુક્ત કામગીરીથી આ ગુન્હો ઉકેલાયો છે.




