Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં ફટાકડા વેચાણ માટે 111 અરજીઓ, માળિયામાં એક પણ નહીં

મોરબી જિલ્લામાં ફટાકડા વેચાણ માટે 111 અરજીઓ, માળિયામાં એક પણ નહીં

Advertisement
Advertisement

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ધીમે ધીમે બજારમાં તહેવારનો માહોલ જામી રહ્યો છે. તહેવાર દરમ્યાન મુખ્ય માર્ગો પર રેકડીઓ અને હંગામી સ્ટોલ ઉભા કરીને ઘર શોભાની વસ્તુઓ, રંગોળી કલર અને ફટાકડા વેચાણનો ધમધમતો વેપાર જોવા મળે છે.

રાજકોટની આગની ઘટના અને બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ફટાકડા વેચાણ માટેના નિયમોને વધુ કડક બનાવ્યા છે. પરિણામે વેપારીઓમાં અચકાટ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા હંગામી ધોરણે ફટાકડા વેચાણ માટે લાયસન્સ અરજી મંગાવવામાં આવી હતી. જેમાં માત્ર 111 અરજીઓ જ મળી છે. જેમાંથી મોરબી-ટંકારા વિસ્તારમાં 64, વાંકાનેરમાં 27, હળવદમાં 20, જ્યારે માળિયા તાલુકામાં એક પણ અરજી મળી નથી.

છેલ્લા બે વર્ષની તુલનામાં અરજી સંખ્યામાં થોડો વધારો થયો છે. 2023માં 80 અને 2024માં 90 જેટલી અરજીઓ મળી હતી. જોકે ફાયર સેફટીના નિયમો તથા ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મંજૂરી પ્રક્રિયા કડક બનાવવામાં આવી છે.

મોરબી શહેરમાં સામાન્ય રીતે નેહરુ ગેટ, જેલ રોડ, જુના બસ સ્ટેશન, શનાળા રોડ, સરદારબાગ સામે, સુપર માર્કેટ વિસ્તાર, જી.આઈ.ડી.સી., વાવડી રોડ અને રવાપર ચોકડી વિસ્તારમાં હંગામી સ્ટોલ ઉભા કરાતા હોય છે. જોકે હાલ સુધી મોરબી મનપા દ્વારા જાહેર જગ્યાએ ફટાકડા સ્ટોલ માટે જગ્યા ભાડે આપવી કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ 500 ચોરસ મીટરથી ઓછી જગ્યાવાળા હંગામી સ્ટોલ માટે ફાયર વિભાગની સીધી મંજૂરી જરૂરી નથી. આવી સ્થિતિમાં મામલતદાર કક્ષાએ તેમજ નગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચેકલિસ્ટ આધારે મંજૂરી આપવાની રહેશે.

ચેકલિસ્ટ મુજબ ફટાકડા વેચાણની દુકાનમાં નીચેની બાબતો ફરજિયાત રહેશે. બિલ્ડીંગ પર 1000 લીટર પાણીની ટાંકી, પ્રતિ 30 ચોરસ ફૂટે એક 10 કિગ્રા ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સ્ટિંગ્યુશર, ફાયર હોઝ રીલ સાથે પાણી જોડાણ, 4.5 કિગ્રા CO₂ પ્રકારના એક્સ્ટિંગ્યુશર, દુકાન બહાર રેતીવાળા બે ફાયર બકેટ તેમજ ફાયર ઈમરજન્સી એક્ઝીટ ફરજિયાત રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular