મોરબીમાં સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમ હેલ્પલાઇનમાં ફોન કરી માહિતી આપવામાં આવી હતી કે આશરે 35 વર્ષની એક અજાણી મહિલા એકલી બેઠી છે અને પૂછવા છતાં તેઓ ક્યાં જવું છે તે બાબતે કંઈ બોલતા નથી, જેથી તેમને મદદની જરૂર જણાય છે.
આ માહિતી મળતા જ ફરજ પરના કાઉન્સેલર પટેલ સેજલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. 181 અભયમ ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સહાનુભૂતિપૂર્વક કાઉન્સેલિંગ શરૂ કર્યું. અનેક પ્રયત્નો છતાં મહિલાએ પોતાનું નામ કે સરનામું જણાવવાનું ટાળ્યું હતું.
પછી ટીમે આજુબાજુના વિસ્તારો અને નજીકના પોલીસ સ્ટેશનોમાં પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલા અંગે ગુમસુદાની અરજી નોંધાયેલી હતી. તરત જ પોલીસ મારફતે મહિલાના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા.
મહિલાના પિતા સ્થળ પર આવ્યા બાદ દીકરીએ તેમને ઓળખી લીધા, જેના અનુસંધાને ટીમે દીકરીને સુરક્ષિત રીતે તેમના પિતાને સોંપી. કાઉન્સેલિંગ દરમિયાન પિતાએ જણાવ્યું કે તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે અને તેની દવા ચાલુ છે, પરંતુ ઘરેથી કહ્યા વિના અચાનક નીકળી ગઈ હતી.
181 અભયમ ટીમે પિતાને સલાહ અને માર્ગદર્શન આપી દીકરીની યોગ્ય કાળજી રાખવા જણાવ્યું. મહિલાના પિતાએ પોતાની દીકરીને સુરક્ષિત પરત મેળવવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.




