વિદેશમાં વેપાર કરાવવા અને એક્સપોર્ટ ડીલિંગ કરાવવાના બહાને ઓનલાઈન ફ્રોડ ચલાવતી ગેંગ દ્વારા મોરબીના વેપારી સાથે રૂ. ૧,૭૨,૮૮,૪૦૦ નો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો. મોરબી સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ટેકનિકલ માહિતીના આધારે દિલ્હી ખાતે દરોડો પાડી ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ. એન.એ. વસાવા તથા સાયબર ક્રાઇમ ટીમ લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી.
મળતી વિગતો મુજબ, મોરબીના દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા કોકોપીટ પ્રોડક્શનનો વ્યવસાય કરે છે. તેમણે વિદેશમાં માલ એક્સપોર્ટ કરવા માટે ગુગલ પર શોધખોળ કરતાં ‘Trade Fundamental Pvt. Ltd.’ અને ‘GBFS Wings Pvt. Ltd.’ નામની કંપનીઓનો સંપર્ક કર્યો હતો.
આ બન્ને કંપનીઓએ હોંગકોંગની ACES TRADING કંપની સાથે ડીલિંગ કરાવી આપવાના બહાને જુદી જુદી સ્કીમો બતાવી અને વિવિધ ચાર્જના નામે અલગ-અલગ બેંક ખાતામાં મળીને રૂ. ૧.૭૨ કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી. બાદમાં કોઈ વ્યવહાર કે માલ એક્સપોર્ટ કર્યા વગર આ રકમ હડપ કરી લીધી હતી.
ફરિયાદને આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 0007/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4), 319(2), 111(2)(b) તથા IT એક્ટ 66(c), 66(d) હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે ટેકનિકલ માહિતીના આધારે દિલ્હી ખાતે દરોડો પાડી ધનંજય પ્રદીપ રામજીલાલ શર્મા (ઉં.23, રહેવાસી દિલ્હી) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી કંપનીમાં કસ્ટમર સપોર્ટ ઓપરેટર તરીકે કાર્યરત હતો.




