મોરબી શહેરમાં અવારનવાર લૂંટ, ચોરી અને મારામારીની ઘટનાઓ બનતી હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો દાવો તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજીએ કર્યો હતો. પરંતુ એ વચ્ચે જ મોરબીમાં એક યુવક સાથે લૂંટની ગંભીર ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી કંડલા બાયપાસ હાઈવે દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં. B-12 માં રહેતા દેવમભાઈ વીકાસભાઈ રીયા (ઉં.19) આંગડિયામાથી રૂપિયા 85,000 લઈ જતા હતા.
તે સમયે એક અજાણ્યા શખ્સે પાછળથી બાઈક અથડાવી ઇજાનું બહાનું કરી, યુવકને હોસ્પિટલ લઈ જવાનું કહી પોતાની બાઈક પર બેસાડ્યો હતો. રસ્તામાં આરોપીએ યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી રૂપિયા 85,000 છીનવી લીધા હતા.
પીડિત યુવકે આ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે અને લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે.




