HomeMorbiટંકારામાં બંધ મકાનને નિશાન બનાવતી ત્રિપુટીનો પર્દાફાશ: રૂ.3.47 લાખના મુદ્દામાલ સાથે એક...

ટંકારામાં બંધ મકાનને નિશાન બનાવતી ત્રિપુટીનો પર્દાફાશ: રૂ.3.47 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પત્ની સહિત બે ફરાર

ટંકારા: ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.7માં 16 સપ્ટેમ્બરના રોજ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના સોના-ચાંદીના દાગીના તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા મળી કુલ રૂ.3.47 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેની પત્ની સહિત બે આરોપીઓ ફરાર છે.

ફરિયાદી સુનીલભાઈ મોહનભાઈ રાઠોડના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરીમાંથી રૂ.2,47 ,600ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અનડીટેક્ટ ગુનાની તપાસ દરમિયાન ટંકારા પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા નં. GJ-10-T-8165માં મુદ્દામાલ લઈને એક શખ્સ મોરબી તરફ જઈ રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે ટંકારા નગરનાકા પાસેથી ધ્રોલના ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા (ઉં.વ.26)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચાંદીના કળા, સાંકળા, લકી, મંગળસૂત્ર, સોનાની પાન બુટ્ટી સહિત રૂ.2,47,600ના દાગીના અને રૂ.1 લાખની રિક્ષા મળી કુલ રૂ.3,47,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાની પત્ની ભાવનાબેન અને સંબંધી સંજયભાઈ વાઘેલા સાથે મળી દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં ફરી બંધ મકાનોની રેકી કરી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે અને ફરાર ભાવનાબેન વાઘેલા તથા સંજયભાઈ વાઘેલાને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

Most Popular