HomeMorbiમોરબી ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો: વીમા કંપનીએ ક્લેઇમ નાકામ કરતાં દંડ સાથે...
મોરબી ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો: વીમા કંપનીએ ક્લેઇમ નાકામ કરતાં દંડ સાથે વ્યાજ ચૂકવવાનો હુકમ
હળવદના વતની દીપકભાઈ રમણીકભાઈ પટેલે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડિકલ વીમો લીધો હતો. તારીખ ૧૫/૧૦/૨૪ના રોજ એક્ટિવા પર જતી વખતે અકસ્માત નડતાં તેમના ડાબા પગના ગોઠણમાં ગંભીર ઇજા થઈ હતી.
આથી, તેમણે ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું, જેનો કૂલ ખર્ચ રૂ. ૧,૭૫,૪૪૮ થયો હતો. જોકે, તમામ બિલ અને કાગળો રજૂ કરવા છતાં વીમા કંપનીએ ૦૩/૧૨/૨૪ના રોજ રેપ્યુડ લેટર આપીને ક્લેઇમ નાંજૂર કરી દીધો હતો.
વીમા કંપનીના આ અન્યાયી નિર્ણય સામે દીપકભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગ્રાહકે પ્રીમિયમ ભર્યું હોવા છતાં વીમો નાંજૂર કરવો એ સેવામાં મોટી ખામી દર્શાવે છે.
નામદાર ગ્રાહક કોર્ટે કાયદાકીય બાબતો ધ્યાને લઈ દીપકભાઈના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ. ૧,૭૫,૪૪૮ ની પૂરેપૂરી રકમ ૧૫/૦૩/૨૫થી ૬ ટકાના વ્યાજ સાથે તથા ખર્ચના રૂ. ૫,૦૦૦ અલગથી ચૂકવવાનો આદેશ કર્યો છે. એક માસમાં રકમ ન ચૂકવાય તો ૯ ટકા લેખે વ્યાજ આપવું પડશે. ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે અન્યાય સામે ગ્રાહકોએ હંમેશાં પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ.