HomeMorbiમોરબી-માળિયા હાઈવે પર RTO ટીમ પર લોખંડના પાઈપથી હુમલો: ગાર્ડનું માથું ફોડી...

મોરબી-માળિયા હાઈવે પર RTO ટીમ પર લોખંડના પાઈપથી હુમલો: ગાર્ડનું માથું ફોડી ટ્રક ચાલક ફરાર

મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન ટ્રક ઉભો ન રાખતા RTO ટીમે પીછો કરી વાહન રોકાવ્યું હતું. પૂછપરછ દરમિયાન ઉશ્કેરાયેલા ટ્રક ચાલકે લોખંડના પાઈપથી હુમલો કરતાં ગાર્ડને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

મોરબી RTOના મોટર વાહન નિરીક્ષક અપુર્વભાઈ પ્રજાપતિ સહિતની ટીમ 23 સપ્ટેમ્બરની રાત્રે પેટ્રોલિંગમાં હતી. ટીંબડી પાટિયા નજીક ચેકિંગ માટે ઈશારો કરવા છતાં ટ્રક ન રોકાતા ટીમે પીછો કરી ભરતનગર પટેલ સમાજ વાડી પાસે ટ્રક અટકાવ્યો હતો. દરમિયાન ચાલક લોખંડનો પાઈપ લઈને નીચે ઉતર્યો અને ઝપાઝપી શરૂ કરી હતી. ગાર્ડ રૈયાભાઈ સુસરા બચાવ માટે આવતા ચાલકે તેમના ડાબા લમણાના ભાગે પાઈપ ફટકારતા ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.

હુમલા બાદ ટ્રક ચાલક GJ-39-T-6618 નંબરનો ટ્રક સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત ગાર્ડને મોરબીની સમર્પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યાં માથામાં ટાંકા આવ્યા હતા. RTO નિરીક્ષકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે BNS કલમ 121(1), મોટર વાહન અધિનિયમની કલમ 135 તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular