HomeMorbiમોરબીમાં ટ્રકનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળ્યું: 19 વર્ષીય યુવાનનું સારવાર...

મોરબીમાં ટ્રકનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળ્યું: 19 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના સરતાનપર રોડ પર સિરામિક ફેક્ટરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે રહી ગયેલું પાનું લેવા ગયેલા 19 વર્ષીય યુવક પર અચાનક ટ્રક પાછળ ખસતાં ટાયર ફરી વળ્યું હતું, જેમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના વારની ગામનો 19 વર્ષીય દિલિપ કાલુરામ પવાર ટ્રક નંબર RJ-50-GB-1836માં ટાઇલ્સ ભરવા માટે મોરબીના સરતાનપર રોડ પર આવેલી રીચ સિરામિક ફેક્ટરીમાં આવ્યો હતો. ટ્રકનું પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવી રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ મિસ્ત્રી જતા રહ્યા હતા.

દરમિયાન દિલિપ ટ્રકમાં એર-પ્રેશર ભરી રહ્યો હતો ત્યારે મિસ્ત્રીનું નટ-બોલ્ટ ખોલવાનું પાનું ટ્રકની કેબિન નીચે રહી ગયાનું ધ્યાનમાં આવ્યું હતું. પાનું લેવા માટે દિલિપ ટ્રક નીચે ગયો હતો. તે સમયે અચાનક ટ્રક પાછળની તરફ ખસતાં કેબિન પાછળનું ટાયર દિલિપના પેટ અને કમરના ભાગ પરથી ફરી વળ્યું હતું.

અકસ્મતમાં ગંભીર રીતે ઘવાયેલા દિલિપને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

Most Popular