HomeMorbiમોરબી મનપાના ભાજપ મહિલા કાઉન્સિલરના પતિ સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર
મોરબી મનપાના ભાજપ મહિલા કાઉન્સિલરના પતિ સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર
પાંચ વર્ષ જૂની ઘટનાના આક્ષેપો સાથે પરિણીતાએ નોંધાવી ફરિયાદ; સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
મોરબીમાં મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 8ના મહિલા ભાજપ કાઉન્સિલરના પતિ અને ભાજપના આગેવાન શૈલેષ માકાસણા સામે પરિણીતાએ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2020 દરમિયાન પરિણીતાએ પોતાના પતિની સારવાર માટે શૈલેષ માકાસણાની પત્ની પાસેથી નાણાં ઉછીના લીધા હતા. આ નાણાકીય વ્યવહારના સંદર્ભમાં શૈલેષ માકાસણાએ પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિણીતા ગર્ભવતી બની હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ બાળકની જવાબદારી લેવાની વાત કરી મામલો બહાર ન આવે તેવા પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બાદમાં પરિણીતાને ઓમ વિલા બંગલા ખાતે બોલાવી ફરીથી બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કોઈને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આશરે પાંચ વર્ષ બાદ બાળક અંગે પરિવારજનોને જાણ થતાં તેમના હિંમત આપ્યા બાદ પરિણીતાએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે શૈલેષ માકાસણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી છે. હાલ ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓમ વિલા બંગલા ખાતે અગાઉ પોલીસ દ્વારા જુગારધામ અંગે કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. જોકે, તે કાર્યવાહી અને હાલની ફરિયાદ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.