HomeMorbiમોરબીમાં ફૂડ વિભાગની તવાઈ: 90 જેટલી હોટલ-દુકાનોમાં ચેકિંગ, 15થી 20 કિલો અખાદ્ય...
મોરબીમાં ફૂડ વિભાગની તવાઈ: 90 જેટલી હોટલ-દુકાનોમાં ચેકિંગ, 15થી 20 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા 31 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર દરમિયાન શહેરના શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, એસ.પી. રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર ચોકડી, લાલબાગ, ધૂનળા રોડ, GIDC રોડ સહિતના વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, હોટલો, મીઠાઈ તથા ફરસાણની આશરે 90 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર વેપારીઓને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 12 પેઢીઓ પાસે લાઈસન્સ ન હોવાનું સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન લાલબાગ પાસેની દિલ્લી સીતારામ હોટલમાંથી કીડીઓ લાગેલા ગુલાબજામુનનો નાશ કરાયો હતો, જ્યારે મોરબી-રાજકોટ હાઈવેની માધવ હોટલમાંથી 2 કિલો વાસી ભાત, 4 કિલો મંચુરિયન, 2 કિલો ફ્રેન્ચ ફ્રાઈસ સહિતનો ખોરાક નાશ કરવામાં આવ્યો હતો.
શનાળા-ધૂનડા રોડની રાધાક્રિષ્ના ડેરી ફાર્મમાંથી 6 છાસની થેલી અને 10 દૂધની થેલી, નાની વાવડીની મોમાઈ ડેરી એન્ડ સ્વીટ્સમાંથી 2 કિલો વાસી કચોરી તથા નવા બસ સ્ટેન્ડ નજીકથી વાસી બ્રેડ અને એક્સપાયર થયેલા ઓરેગાનો તથા નટેલા ચોકલેટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત GIDC રોડની ત્રણ મીઠાઈની દુકાનોમાં અસ્વચ્છતા બદલ નોટિસ, 1 કિલો વાસી ચટણીનો નાશ તથા મહારાણા પ્રતાપ સર્કલ પાસેની પેંડાની દુકાનમાંથી મીઠાઈમાં વાળ મળી આવતા 500 ગ્રામ મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો. મનપા ફૂડ શાખા મુજબ કુલ આશરે 15થી 20 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. સાથે જ લારીઓ અને દુકાનદારોને ખાદ્ય પદાર્થમાં ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવા, એક જ તેલનો વારંવાર ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગે પણ કડક સૂચના આપવામાં આવી છે.