HomeMorbiહળવદના ચરાડવામાં 102 બાચકા જીરૂં ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપી ઝડપાયા, રૂ.12.77...

હળવદના ચરાડવામાં 102 બાચકા જીરૂં ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપી ઝડપાયા, રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી 102 બાચકાંમાં ભરેલું જીરૂં ચોરી થયાના ગુનાનો મોરબી એલસીબી પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના જીરૂં સહિત કુલ રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ફરિયાદ મુજબ, ગોડાઉનમાં ચાર ભાઈઓની ખેતીની ઉપજનું 280 મણ જીરૂં ભરેલા 102 બાચકાં રાખવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ.10.64 લાખ હતી. કોઈ અજાણ્યા શખ્સો જીરૂં ચોરી કરી ગયા બાદ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

મોરબી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી મોરબી-ચરાડવા-હળવદ રોડ પર ITI સામે GEB સબ સ્ટેશન પાછળથી સુરજભાઈ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી (મોરબી), સુનિલ મુકેશભાઈ સોલંકી (મોરબી), ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા (સરધાર, રાજકોટ) અને રાહુલ વિજયભાઈ દસડીયા (મોરબી)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 92 બાચકાં જીરૂં, 231 મણ કિંમત રૂ.8.77 લાખ, બોલેરો મેક્સી ટ્રક રૂ.4 લાખ અને તાલપત્રી મળી કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાધજી દેવીપુજકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular