HomeMorbiમોરબીમાં 765કેવી ટ્રાન્સમિશન લાઇન માટે જમીનના વળતર અંગે માર્કેટ રેટ કમિટીની બેઠક...
મોરબીમાં 765કેવી ટ્રાન્સમિશન લાઇન માટે જમીનના વળતર અંગે માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાશે
મોરબી જિલ્લાના જેતપર ગામમાંથી પસાર થતી “765 KV D/C KPS-2(GIS) – Halvad Transmission Line” ના ટ્રાન્સમિશન ટાવર અને કોરિડોર ઊભા કરવાના કારણે અસરગ્રસ્ત બનતી જમીનોના વળતર ચુકવણી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબ અસરગ્રસ્ત જમીનો, પાક, ફળઝાડ તથા અન્ય વૃક્ષોના નુકસાનના યોગ્ય વળતર માટે જમીનનો બજાર ભાવ (માર્કેટ રેટ) નક્કી કરવા અંગે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મોરબી દ્વારા સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે મૂલ્યાંકનકાર, કંપનીના મૂલ્યાંકનકાર અને ખેડૂતોના મૂલ્યાંકનકાર દ્વારા તૈયાર કરાયેલા મૂલ્યાંકન અહેવાલો બંધ કવરમાં માર્કેટ રેટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કવરોમાંથી રેન્ડમ (યાદચ્છિક) રીતે કાપલીઓ પસંદ કરી પારદર્શક પદ્ધતિથી કવર ખોલી જમીનના ભાવ નક્કી કરવાની કામગીરી આગળ વધારવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અસરગ્રસ્ત જમીન માલિકો અને તેમના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે માર્કેટ રેટ કમિટીની આગામી બેઠક તારીખ 25/09/2026 ના રોજ બપોરે 10:00 કલાકે કલેક્ટર કચેરી, મોરબીના સભાખંડ ખાતે યોજાશે. કલેક્ટર કચેરી દ્વારા તમામ અસરગ્રસ્ત જમીન માલિકો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જો કોઈ જમીન માલિક કે પ્રતિનિધિ ગેરહાજર રહેશે તો તેઓ વલ્યુઅર્સ નિમવા કે ભાગ લેવા માંગતા નથી તેમ માનીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.