HomeMorbiમોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તારીખ ૨૪/૦૯/૨૦૨૬ને ગુરૂવારે સાયબર સુરક્ષા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સાયબર સુરક્ષાના કોઓર્ડિનેટર ડૉ. અનિલકુમાર સિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં મોરબી પોલીસ સ્ટેશન બી-ડિવિઝન તરફથી મહેશભાઈ સોલંકી, સુરેશભાઈ ગઢાદરા, નિકેશભાઈ મંઢ અને અમીતભાઈ વિરપરીયા ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી બચવા માટેની જરૂરી સાવચેતી, ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, સોશિયલ મીડિયા તથા મોબાઈલનો સુરક્ષિત ઉપયોગ, અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP અને બેંકિંગ સંબંધિત ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી વગેરે બાબતો અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સાયબર ગુનાનો ભોગ બન્યા બાદ શું કરવું અને યોગ્ય સમયે ફરિયાદ કેવી રીતે કરવી તે અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના સમગ્ર સ્ટાફગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સાયબર સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.
સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક, માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થયો હતો. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા અને સાવચેતી પૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.