HomeMorbiવાંકાનેરના મિલ કોલોની રોડ પર અસામાજિક તત્વોનો ભારે આતંક: સ્થાનિકો કંટાળીને રક્ષણ...

વાંકાનેરના મિલ કોલોની રોડ પર અસામાજિક તત્વોનો ભારે આતંક: સ્થાનિકો કંટાળીને રક્ષણ માટે પોલીસ સ્ટેશને દોડ્યા

વાંકાનેર શહેરના મિલ કોલોની રેલવે સ્ટેશન રોડ પર અસામાજિક તત્વો દ્વારા મચાવાતા આતંકથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ છવાયો છે.

આ વિસ્તારમાં દેશી-વિદેશી ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વરલી મટકાના જુગારના અડ્ડા તેમજ વેશ્યાવૃત્તિ જેવી ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.

ક્રિપાલસિંહ બાબભા જાડેજા, પૃથ્વીરાજસિહ મહાવીર સિંહ જેઠવા, જૈનુલ હાલા અને દશુભા માનસિંહ જાડેજા સહિતના માથાભારે શખસો આ વિસ્તારમાં દારૂ પીને ખુલ્લી તલવારો સાથે નીકળી લોકોમાં સતત દહેશત ફેલાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકો માટે આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિક રહીશોએ જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અસામાજિક તત્વોએ “પોલીસ અમારા ખિસ્સામાં છે, અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં” ધમકી આપીને લોકોને ધાકધમકી આપી હતી. બૂટલેગરો અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળીને આખરે તમામ લતાવાસીઓ એકઠા થઈને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સ્થાનિકોએ પોલીસ સમક્ષ લેખિત અરજી રજૂ કરીને આ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને વિસ્તારના રહીશોને યોગ્ય રક્ષણ પૂરું પાડવા માટે વહીવટી તંત્રને કાલાવાલા કર્યા છે.

સ્થાનિક કક્ષાએ યોગ્ય ઉકેલ ન મળતા જાગૃત નાગરિકો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા (SP)ને પણ આ સમગ્ર મામલે ઈ-મેઈલ મારફતે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી આવી ખુલ્લેઆમ અનૈતિક પ્રવૃત્તિઓ અને સ્થાનિકો પર થતા અત્યાચાર છતાં સ્થાનિક પોલીસનું ભેદી મૌન અને નિષ્ક્રિયતા સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જિલ્લા પોલીસ વડા આ મામલે કેવા પગલાં ભરે છે અને મિલ કોલોની વિસ્તારના લોકોને આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

RELATED ARTICLES

Most Popular