વાંકાનેરના રંગપર ગામે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખેલો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાં ઢોર બાંધવા માટે બનાવવામાં આવેલા એક ઢાળિયામાં સૂકી નીરણ નીચેથી દેશી દારૂ અને ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 80 બોટલ દારૂ તથા 140 લીટર દેશી દારૂ આમ કુલ મળીને 1,31,800 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો. જો કે, આ રેડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રંગપર ગામે રહેતા ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદર ફળિયામાં ઢોર બાંધવા માટે એક ઢાળિયામાં સુકી નીરણનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેની નીચેના ભાગમાં ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી 140 લિટર દેશી દારૂ જેની કિ.રૂ.28 હજાર અને ગમાણમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 80 બોટલો મળી આવતા રૂ.1,03,800 ની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ મળીને 1,31,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી ભીખુભાઈ દાદભાઈ તકમરીયા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તેની શોધખોળ આદરી છે.




