મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અન્વયે પરિમલ પ્રાથમિક શાળા વિસીપરા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર રાહુલભાઈ પરમાર દ્વારા કિશોરીઓને તમાકુના સેવનથી થતા નુકસાન અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવતા તમાકુના સેવન અને તે અંગેની અસરો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ તકે, તમાકુ અંગેની જાગૃતિ માટેની રંગોળી સ્પર્ધા થકી કિશોરીઓએ તમાકુ નિષેધ અંગે સંદેશો આપ્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામ અપાયા હતા.




