મોરબીમાં રહેતા યુવકે આરોપી પાસે રૂ.25 હજારની માંગણી કરતા તેણે એક બાઈક અડાણે મુકવા આપ્યું હતું તે વખતે આરોપીએ યુવકને એક મહિના પછી રૂપિયા 50 હજાર અને બાઈક આપવા કહ્યું હતું અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ યુવકને વાવડી રોડ ભુમી ટાવર પાસે લઈ જઈ આરોપીઓએ ગાળો આપી માર મારી યુવક પાસેથી બે મોબાઇલ પડાવી લીધા હતા.
આ બનાવ બાદ યુવકે ન્યાય માટે પોલીસના દ્વારા ખખડાવ્યા હતા પરંતુ પોલીસ પાસે ફરીયાદ નોંધવા માટે ટાઈમ ન હતો. જેથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા યુવકને સાથે રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને આકરા પ્રહારો કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ અંતે પોલીસે યુવક પર દમનન ગુજારનાર પાંચ શખ્સો વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી બાયપાસ પાસે સત્કાર રેસીડેન્સી બ્લોક નં.204 માં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલીયા (ઉ.વ.20) એ આરોપી શક્તિભાઇ મહેશભાઇ ગજીયા, મહેશભાઇ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઇ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી, જગદીશભાઇ સાધાભાઇ સવસેટા તથા તપાસમા નીકળે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ આરોપી શક્તિભાઈ પાસે રૂ.25 હજારની માંગણી કરતા તેણે એક મોટરસાયકલ અડાણે મુકવા આપી હતી તે વખતે આરોપી શક્તિએ ફરીયાદીને એક મહિના પછી રૂ.50 હજાર તથા મોટરસાયકલ પરત આપવાનુ કહ્યું અને જો નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને ગેરકાયદેસર અટકાયતમાં રાખી વાવડી રોડ ભુમિટાવર પાસે લઇ જઇ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર મારી આરોપીઓએ ફરીયાદીના 2 મોબાઇલ બળજબરી પુર્વક પડાવી લીધા હતા. તો સિટી એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

