આવતીકાલથી આપણો ભાતીગળ સંસ્કૃતિ સમાન નવરાત્રી પર્વ શરૂ થાય છે ત્યારે માં શક્તિની આરાધના સાથે સમગ્ર ગુજરાતવાસીઓ ગરબે ઝુમી ઊઠવા થનગની રહ્યા છે. એવામાં અનેક ગ્રૂપ, ક્લાસિસ દ્વારા અગાઉથી જ ગરબા આયોજન કરી દેવામાં આવ્યા છે.
ગઈકાલે તા.20 ને શનિવારના રોજ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પ્રાચીન ગરબા ક્લાસીસના કાર્યક્રમમાં “પાટીદાર વુમન્સ પાવર” ગ્રુપની બહેનો સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આડ્રોજા દ્વારા વિશેષરૂપે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કડવા પાટીદાર કેળવણી મંડળના સાથ-સહકારથી પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો. સ્પર્ધામાં પાટીદારની નાની બાળાઓએ પોતાની કળા અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી એ સાથે જ આખુ મેદાન આનંદમય અને રંગીન બની ગયું હતું.
બાળાઓના નવારા પગલાં, રમઝટ ભરેલા રાસ અને તાલમેળ જોઈને જોનારા દરેક પણ આનંદ અને ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા. ત્યાં ઉપસ્થિત તમામના ચહેરા પરની ખુશી અને ઉત્સાહ જોઈને કહી શકાય કે, ગરબા માત્ર રમત નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના અંતે નાની બાળાઓને પ્રાઈઝ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનનું સન્માન કરવામાં આવ્યું હતું. આવી પ્રવૃત્તિઓ બાળકોના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ટીમવર્કને વધુ મજબૂત બનાવે છે.




