મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫’ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી કચેરી અને પીએમ પોષણ યોજના દ્વારા ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ સંસ્થાના સહયોગથી સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓને ફૂડ ફોર્ટીફિકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં ફોર્ટીફાઇડ ચોખા, ડબલ ફોર્ટીફાઇડ મીઠું, ફોર્ટીફાઇડ લોટ, તેલ અને દૂધના ઉપયોગથી મળતા આરોગ્યલાભોની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને આયર્ન, ફોલિક એસિડ, વિટામિન-બી12, વિટામિન-એ તથા વિટામિન-ડી જેવા પોષક તત્ત્વો ફોર્ટીફાઇડ ખાદ્યપદાર્થોમાં હોવાને કારણે તે સામાન્ય જનજીવન માટે લાભદાયી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત ફોર્ટીફાઇડ વસ્તુઓના સંગ્રહ વખતે રાખવાની કાળજી અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. વ્યાજબી ભાવની દુકાનો પરથી એન.એફ.એસ.એ. કાર્ડ ધારકોને મળતા ફોર્ટીફાઇડ ચોખા અને ડબલ ફોર્ટીફાઇડ મીઠાના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવાના નિર્દેશો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ફોર્ટીફાઇડ ચોખા અંગે “પ્લાસ્ટિકના ચોખા” જેવી ખોટી માન્યતાઓ દૂર કરવા માટે વિશેષ ભાર મૂકાયો હતો.




