મોરબી શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા એસ.પી. ચોકડીથી રવાપર ઘુનડા રોડ (એસ.પી. મેઈન રોડ) પર હવે ટૂંક સમયમાં જ શહેરીજનોને નવીન અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. મોરબી મહાપાલિકા દ્વારા આ રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નાખવા તેમજ વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટ સાથે મજબૂત રોડ બનાવવા માટે રૂ. 20.93 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખા દ્વારા જાહેર કરાયેલા અખબારી જાહેરનામામાં જણાવાયું છે કે, એસ.પી. મેઈન રોડ પર વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 900 એમ.એમ. DIA સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નાખવાની યોજના છે.
વળી, રોડને વધુ ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાનો બનાવવા માટે વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ કામગીરીમાં સબગ્રેડ લેયરમાં 200 એમ.એમ. W.B.M., સબ બેઝ લેયરમાં 150 એમ.એમ. ડ્રાય લીન કોન્ક્રીટ (DLC) અને M35 ગ્રેડ સાથે 250 એમ.એમ. વાઈટ ટોપીંગની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. પરિણામે આશરે 10 મીટર પહોળો અને મજબૂત રોડ તૈયાર થશે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ એજન્સીની નિમણૂક કરીને કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મહાપાલિકાએ જણાવ્યું છે કે, આ યોજનાથી રોડની આસપાસ આવેલી સોસાયટીઓના રહેવાસીઓ સહિત સમગ્ર શહેરીજનોને ભારે રાહત મળશે. ટ્રાફિકની અડચણ અને વરસાદી પાણીની સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થશે.




