શહેરના વિસીપરા વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ છુટાછેડા થયેલી યુવતી પર તેના પૂર્વ પતિએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.
વિગત મુજબ, મોરબીના કુલીનગર-૧ વિસ્તારમાં ગોવિંદભાઈના ડેલા પાસે રહેતી આમેનાબેન કાસમભાઈ બ્લોચ (ઉ.વ. ૨૬) એ મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પૂર્વ પતિ રવીભાઈ નિતીનભાઈ સોલંકી (રહે. તિલકધામ સોસાયટી, કુબેરના નાલા પાસે, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ, આમેનાબેન અને રવીભાઈ વચ્ચે પ્રેમ સંબંધ બાદ લગ્ન થયાં હતાં. પરંતુ લગ્ન પછી રવીભાઈ વારંવાર આમેનાબેનના ચારીત્ર પર શંકા કરતા હોવાથી બંને વચ્ચે ઝઘડા થતા રહ્યા અને અંતે છુટાછેડા થયા હતા.
ઘટના દિવસે રવીભાઈ સમાધાન કરવા આમેનાબેન પાસે આવ્યા હતા, પરંતુ આમેનાબેને સમાધાન કરવા ઇનકાર કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. એ દરમ્યાન રવીભાઈએ ગુસ્સામાં આવી છરી વડે આમેનાબેનને ઈજા પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.




