Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી મહાપાલિકાના મેયર પદે હવે રોટેશન સિસ્ટમ

મોરબી મહાપાલિકાના મેયર પદે હવે રોટેશન સિસ્ટમ

Advertisement
Advertisement

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે મેયર પદ માટેનું રોટેશન જાહેર થતાં શહેરની રાજકીય ગતિવિધિઓ તેજ બનવા લાગી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ રોટેશન મુજબ મોરબી મહાનગરપાલિકાના મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી (અન્ય પછાત વર્ગ) અનામત રહેશે, જ્યારે બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાની રચનાની પ્રક્રિયા અંતર્ગત અગાઉ વોર્ડ રચના અને સીમાંકન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. મોરબી શહેરને કુલ કેટલા વોર્ડમાં વિભાજિત કરવાના, દરેક વોર્ડમાં કેટલા સભ્યો રહેશે તથા કયા વોર્ડ માટે કઈ અનામત લાગુ પડશે તે અંગે પણ વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હવે મેયર પદ માટેનું રોટેશન જાહેર થતા ચૂંટણીની પ્રક્રિયા નજીક આવી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ મોરબી મહાનગરપાલિકાના મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ ઓબીસી અનામત હેઠળ રહેશે. એટલે કે, પ્રથમ કાર્યકાળ દરમિયાન મેયર તરીકે માત્ર ઓબીસી કેટેગરીના સભ્યને પસંદ કરી શકાય તેવી જોગવાઈ રહેશે. ત્યારબાદના અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હેઠળ રહેશે, જેમાં કોઈપણ વર્ગની મહિલા ઉમેદવાર મેયર બની શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ રોટેશન જાહેર થતાં હવે રાજકીય પક્ષોમાં તૈયારીના માહોલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઓબીસી સમાજ સાથે જોડાયેલા આગેવાનો અને સંગઠનોમાં ખુશીની લાગણી વ્યાપી છે, કારણ કે પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદની તક તેમના વર્ગને મળશે. બીજી તરફ મહિલા નેતાઓમાં પણ ઉમંગનો માહોલ છે, કારણ કે આગામી અઢી વર્ષ માટે મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ રોટેશન અંગે વાંધા-સૂચનો માટે સમયમર્યાદા પણ જાહેર કરવામાં આવી છે. જે બાદ અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ થશે. આ સાથે જ મોરબી મહાનગરપાલિકાની અનામત બેઠકો તથા મેયર પદના રોટેશન બંને જાહેર થતા હવે આગામી મહિનાઓમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની સંભાવનાઓ મજબૂત બની છે.

સ્થાનિક રાજકીય સૂત્રો મુજબ, વોર્ડ સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વિવિધ પક્ષો દ્વારા સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. આ રીતે મોરબી મહાનગરપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર થવું, શહેરના રાજકીય દ્રશ્યમાં નવા સમીકરણો ઉભા કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular