મોરબી શહેરમાં રીક્ષા ગેંગ ફરી એકવાર સક્રિય થયાના એંધાણ સામે આવ્યા છે. મોરબીના શનાળા રોડ જીઆઈડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુધીની મુસાફરી દરમિયાન એક વૃદ્ધ પાસેથી રીક્ષામાં રોકડા રૂપિયા 12,000 ની ચોરી થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ટમ્લીયા જામવા રહેતા અને હાલ મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલ પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (ઉં. 60) રોજ મજૂરી કામ માટે જતા હોય છે. ઘટનાના દિવસે તેઓ મોરબીના શનાળા રોડ જીઆઈડીસી નાકા પાસેથી સી.એન.જી. રીક્ષામાં નવા બસ સ્ટેન્ડ જવા માટે બેસ્યા હતા.
આ દરમિયાન રીક્ષા ચાલકએ અન્ય બે અજાણ્યા શખ્સોને પણ રીક્ષામાં બેસાડ્યા હતા. મુસાફરી દરમિયાન આ બંને શખ્સોએ વૃદ્ધની નજર ચૂકવી તેમની પેન્ટના ખીસ્સામાં રહેલા રોકડા રૂપિયા રૂ. 12,000 ચોરી કરી લીધા હતા.
ઘટનાની જાણ થતાં વૃદ્ધ કાળુભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે રીક્ષા ચાલક તથા તેની સાથેના બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 379(2), 24 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા રીક્ષા ગેંગની ઓળખ અને તેમની અટકાયત માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આવી પ્રકારની ચોરીની ઘટનાઓ વધતી હોવાને કારણે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.




