મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટના પાર્કિંગ વિસ્તારમાં બાઈક ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી પાર્થભાઈ રમેશભાઈ સાવલિયા પોતાના કામસર સુપરમાર્કેટ પર ગયા હતા અને પોતાની માલિકીની બાઈક પાર્કિંગમાં ગેટ નંબર-1 પાસે ઉભી રાખી હતી.
આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે તકનો લાભ લઈ પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી લીધી હતી. અંદાજે રૂ. 50,000 ની કિંમતની આ બાઈક તસ્કર લઈ જતા ફરિયાદીએ તપાસ કર્યા બાદ બાઈક ન મળતા સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ બનાવ અંગે વાહન ચોરીનો ગુનો નોંધ્યો છે અને સુપરમાર્કેટના CCTV ફૂટેજના આધારે તસ્કરની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. શહેરમાં વધતા વાહન ચોરીના બનાવોને પગલે પોલીસે સાવચેતીના પગલાં વધારવાની દિશામાં પણ વિચારણા હાથ ધરી છે.

