મોરબી શહેરમાં દારૂનું ચલણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે, એટલું જ નહીં હવે બાળકિશોરો પણ બુટલેગર તરીકે પ્રવૃત્ત થવા લાગ્યા છે. મોરબીના તખ્તસિંહજી રોડ પર નવયુગ શો રૂમથી આગળ સી.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે એક બાળકિશોર સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક શખ્સ ફરાર હોવાનું જણાતા તેને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તખ્તસિંહજી રોડ પર નવયુગ શો રૂમ નજીક આરોપીઓની કબ્જાવાળી સી.એન.જી. રીક્ષા (રજી. નં. GJ-36-W-3409) માંથી વેચાણના ઇરાદે રાખેલી વિદેશી દારૂની 36 બોટલો (કિંમત રૂ. 3,600) તથા રૂ. 50,000ની સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂ. 53,600ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જડપાયેલાઓમાં રવીભાઈ જીતેન્દ્રભાઈ પાલા (ઉ.વ. 30, રણછોડનગર – મોરબી), રવીભાઈ રાજેશભાઈ પરેચા (ઉ.વ. 28, અમૃતપાર્ક – મોરબી) અને એક બાળકિશોરનો સમાવેશ થાય છે. પુછપરછ દરમિયાન સાગર કાંતીલાલ પલાણ (રણછોડનગર – મોરબી)નું નામ ખુલતા પોલીસે તેને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




