HomeMorbiમોરબીના ચકચારી જમીન દલાલ હત્યા કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ

મોરબીના ચકચારી જમીન દલાલ હત્યા કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ

મોરબીમાં જમીનના સોદા અંગેના વિવાદે ભયાનક વળાંક લેતા દલાલ તાજમહંમદભાઈ ભટ્ટીની અપહરણ કરી હત્યા કરી પુરાવા નાશ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ચકચારી કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે હવે વધુ બે આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે.

મળતી માહિતી મુજબ ગત તા. 19 ફેબ્રુઆરીએ બાલુભાઈ અધારા તાજમહંમદભાઈને મોરબીના લાલબાગ સેવા સદન પાસેથી કારમાં બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ તેઓ અચાનક ગુમ થતા પરિવારજનો દ્વારા પોલીસમાં ગુમસુધાની નોંધ કરાવવામાં આવી હતી. પરિવારે શંકા વ્યક્ત કરતા પોલીસે બાલુભાઈ અધારાની પૂછપરછ હાથ ધરી હતી. કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને અપહરણ તથા હત્યાની કબૂલાત આપી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ તાજમહંમદભાઈને ભડીયાદ ગામ નજીક બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ પ્લાસ્ટિકના પાઈપ, લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પુરાવા નાશ કરવા લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોલ નામના બંધ કારખાનામાં લઈ જઈ ખાડો ખોદી લાકડા અને જ્વલંત પદાર્થ છાંટી સળગાવી દેવાઈ હતી. એટલું જ નહીં, ખાડો માટીથી પૂરી તેના ઉપર સિમેન્ટનું ધાબુ કરી પુરાવા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેમા આ બનાવ અંગે મૃતકના પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અગાઉ બાલુભાઈ થોભણભાઈ અધારા, રમેશભાઈ અરજણભાઈ અધારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઈ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અધારાની ધરપકડ કરી હતી. આગળની તપાસ દરમિયાન બી ડિવિઝન પોલીસના પીઆઈ વી.એન. પરમાર અને તેમની ટીમે વધુ બે આરોપી જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા (ઉ.વ.38, રહે. વેલકમ પ્રાઈડ, રવાપર, મોરબી) અને ભાવેશભાઈ થોભણભાઈ અધારા (ઉ.વ.33, રહે. વૈભવ વિલા એપાર્ટમેન્ટ, ઉમિયા ચોક, મોરબી) ની ધરપકડ કરી છે. ઉપરાંત લાશને સગેવગે કરવા ઉપયોગમાં લેવાયેલ આઈ-20 કાર પણ પોલીસે કબજે કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular